સોનલા ઈંઢોણી – લુપ્ત થયેલું એક ઘરેણું !

0
115

પરોઢ થાય ને ગામડામાંથી પનિહારીઓનું ઝુંડ નીકળી પડે ! એ લટકતી ચાલે જતી પનિહારીઓ એક દિવસ પૂરાં ભારતમાં સામન્ય દ્રશ્ય હતું. આમ તો આપણને એ પનિહારીઓ સિવાય બીજું કંઇ ન દેખાય પણ એ પનિહારીઓ એના બેડાં , હેલ ને એ હેલ જેનાં પર એ લઈ ચાલે એ ઈંઢોણી પણ મહામૂલી હોય છે. આજે આપણે આ જ ઈંઢોણી વિશેની કેટલીક વાતો કરવાના છીએ.

આ ઈંઢોણી માટે એ પનિહારીઓ ગાતી હોય છે કે ,

બાઈ… મારી અધલખની ઈંઢોણી કે આ લાખનું બેડલું રે વોલ…

બાઈ…હું તો સરોવર ચાલી ગઈ’ત્તી રાધાજીને જોડલે રે લોલ…’

સવા લાખ રૂપિયાનું બેડલું હોય… તો પછી અડધો લાખ રૂપિયાની ઈંઢોણી તો જોઈએ જ તે ! આપણો લોકગીતોની રચનારી લોકનારીઓનો કલ્પનાવિહાર તો જૂઓ ! આપણી તો એ તુચ્છ લાગતી ઈંઢોણી પર નજર પણ ન જાય !

આજે તો હવે ગામડાંઓમાં પાણીના નળ… આવી જતાં પાણીશેરડા અને નદીસરોવરનું મહાત્મય ઘટી ગયું છે… જૂના કાળમાં ગામની વહુવારુ મોતોભરતની ઈંઢોણી માથે હેલ મૂકી પાણી ભરવા જતી ત્યારે ગામના જુવાનડાંઓ આખ્યનું મટકુંય માર્યા વિના એકીટસે ટગરટગર નીરખ્યા જ કરતા. ચોંરે બેઠેલા ગઢિયાય ગામની શોભારૂપ્ નદી સરોવરની શોભારૂપ બાઈઓ, બહેંનોને નીરખી રહેતા અને અંતરમાં આનંદ પામતા.

ઊંડા કુવાનાં છીછરાં જળ ભરી કેડય મરડીને ઘડો ચડત્તી નારીઓને અને એની ઝગારા મારતી હેલને જોવા સૂરજ પણ પળભર થંભીં જતો. આજે ય ભાલ સૌરાષ્ટ્રના નપાણિયા વિસ્તારમાં કે વાવ-થરાદ જેવા ઉજજડ પ્રદેશમાં ગિરકાંઠાના ગામડામાં કે રાજસ્થાનમાં માથે ઈંઢોણી મૂકીને પાણીની હેંલ્ય ભરીને જતી રમણીઓ ક્યાંક ક્યાંક દંષ્ટિગોચર થાય છે.

ડાભડાનો ઈંઢોણી :

ગામડામાં સામાન્ય રીતે વાંઝા અથવા ચોરી લોકો દાભડો વાઢી લાવે છે અને તેમાંથી છાશ તાણવા ગોળી નીચે મુકાતાં સૂંથિવાં, ગાડાનાં શીકલાં અને ઈંઢોણીઓ બનાવીને ઘેર ઘેર મૂકી જાય છે. આ ઈંઢોણી પાણીના બેડાંને માથા પર સમતોલ રાખવા માટે બેડાં નીચે મુકવામાં આવે છે. દાભડાની ગૂંથેલી ઈંઢોણી માથામાં. વાગે છે, આથી તેના પર કપડું ઓટી લેવામાં આવે છે. ઘણી વખત ઈંઢોણી ખોવાઈ જતાં અગર માથા પર ન ફાવતાં રત્રીઓ પાણીગળણાની ગોળ મોંઈં વાળીને માથે મૂકે છે અને તેના ૫૨ બેડું મૂકીને લઈ આવે છે.

ઘાસની ઈંઢોણીનું સ્વરૂપ ન ગમતાં ચતુર અને કળારસિક લોકનારીઓએ ઈંઢોણીને લાલ અને લીલા સુતરાઉ કાપડથી ઓટે તો કોઈએ લાલ મધરાસિયાનું પડ ચડાવ્યું . તેના ૫૨ મોત્તીનું કળામય ભરત કર્યું. આજેપ કાઠિયાવાડમાં રંગબેરંગી મોત્તીભરતની ઈંઢોણીઓ વપરાય છે. રજપૂત, કણબી કોળી અને ગરાસિયા કોમમાં કન્યાને આશામાં મોત્તીભરતનું કચોળું, નાળિવેર, દોતકલમ. અને ઈંઢોણી આપવાનો રિવાજ જાણીતો છે.

લોકજીવનમાં ઈઢોણી અંઢોણીના નામે પણ ઓળખાય છે. લોકનારીઓએ ઈંઢોણીતે મોતીભરતથી સજાવી છે તેમ લોકગીતોમાં પણ સોનલા ઈંઢોણીને લાડ લડાવ્યા છે.

સોના ઈંઢોણી રૂપલા બેડલાની હેલ્ય ,

પાણીડાં ગ્યા’તા સરવર્સ પાળ,

સામા મળ્યા છે સાધુ બેચાર,

ચાલો સાઘુજી આપણા ઘેર;

બેડું મેળવ્યું સરવરપાળ.

ઈંઢોણી વળગાડી આંબા ડાળય માથે સોના-ઈંઢોણી અને રૂપલા બેડું લઈને વહુ સરોવરકાંઠે પાણી ભરવા ગઈ . સરોવરપાળે વણજારાનો બેટો ઊભો હતો. એણે કાંકરીનો ઘા કર્યો. વહુનાં બેડાં નંદવાણાં. સાસુએ વહુ માથે આળ નાખ્યું અને વહુ વટભેર વણઝારા સાથે ચાલી નીકળી:

‘મારી સૌના ઈંઢોણી રૂપા બેડલું, નંદનો કુંવર નાનાડિયો

હું તો સરોવર પાણી ગઈ’ત્તી નંદનો કુંવર નાનડિયો પાળે ઊભો વણજારાનો બેટો નંદનો કુંવર નાનડિયો પીંટયે એળે કાંકરી નાખી, નંદનો કુંવર નાનડિયો

મારાં સોનાનાં બેડાં નંદવાણા, નંદનો કુંવર નાનડિયો

ખંભાતબારમાં, લોકમાતા મહીસાગરનો મહિમા અપરંપાર છે. લોકો આસ્થાપૂર્વક એને પૂજે છે. નારીંઓ મહીમાતાનાં ગીતો ગાય છે. તેમાંય હીરનાં ઈંઢોણીનો ઉલ્લેખ મળે છે:

મારૂં સોનાનું છે બેડું રે, સુંદર શામળિયા

મારી હીરલા ઈંઢોણી રે ,સુંદર શામળિયા

મહીમાતા ચાલ્યાં પાણી રે, સુંદર શામળિયા

દરિયાજીએ પાલવ ઝાલ્યો રે, સુંદર શામળિયા

તને કાળીને નૈ પૈણું રે, સુંદર શામળિયા

તું તો કાળી કામણગારી રે, સુંદર શામળિયા’

હીરભરતની ઈંઢોણી સાથે મોત્તીભરતનીં ઈંઢોણીના ઉલ્લેખો પણ લોકગીતોમાં મળે છે :

‘ મારુ સાવ સોનાનું બેડું રે, છેલછબીલા છોગાળા મારી મોત્તીની ઈંઢોણી રે, છેલછબીલા છોગાળા

ઈ તો જમનાન્જી પાણી ગઈ’ત્તી રે, છેલછબીલા છોગાળા

મને કાળા બળદે મારી રે, છેલછબીલા છોગાળા

મારા આ સાળું ફાટ્યા રે, છેલછબીલા છોગાળા’

ભાત દેવા જતી વખતે પણ ઈંઢોણીનો ઉપયોગ થાય છે :

સોના ઇંઢોણી શિર ધરી રે,

સાવળગા લઈ ચાલ્યાં ભાત ,

ચારંતા ભાઈ રે ગૌવાળ્યઃ

કઈ વાડી કેરી વાટ, મારા, વા’લા.’

આમ ઈંઢોણીએ લોકજીવન અનેં લોકગીતોમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું, છે. લોકજીવનમાં કળાનો સંસ્કાર ધબકતો રહેશે ત્યાં સુધી ઈંઢોણીનું અસ્તિત્વ જળવાઈ રહેશે એમ લાગતું, હતુ પણ હવે તો ગામડાંમાંય પાણીના નળ આવી ગયા એટલે માથા પર ઇંઢોણી ને બેડાં મૂકી પાણી ભરવાનું સાવ બંધ થઈ ગયું…છે. ભૌતિક સમૃદ્ધિનીં ભરમારમાં આવી કેટલીયે સાંસ્કૃતિક પરંપરાઓ સાવ લુપ્ત થઈ ગઈ છે.

અજબ વાત છે કે આ લુપ્ત થઈ ગયેલી સાંસ્કૃતિક પરંપરાઓને આજે કોઈ યાદ પણ નથી કરતું કે એની યાદ પણ નથી આવતી . ગમે તે હોય પણ નળ નીચે જીન્સ પેહરિને ડોલમાં પાણી ભરતી યુવતી કરતાં માથે હેલ મૂકી કુવા કાંઠે કે તળાવે પાણી ભરતી ભાતીગળ પહેરવેશ વાળી પનિહારી દરેક દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે અને રહેશે . ઘણાં ને થશે કે એ તો હેલ માથે મૂકી જાય તો કેટલી તકલીફ પડે પણ એ સમયે આ કામ તકલીફ નોહતું પરિવાર પ્રત્યેનું સમર્પણ હતું , ગામ સાથે જોડાયેલા રેહવાની પ્રણાલી હતી. જોકે હવે એ ગામ સાથે જોડાવાનું બધું બંધ છે. આજે તો બાજુમાં કોણ છે એ પણ કોણ જાણે છે ?

ચાલો અભિનંદન તમને !

કમસે કમ તમે તો આ લુપ્ત થયેલી પરમ્પરા અને સામાન્ય ઈંઢોણી પાછળ ઉભેલી પરંપરા ને જાણી ! બને તો આજની પેઢી ને પણ આ જણાવશો !

લેખન સંપાદન : ગોહિલ મહેશ

સંદર્ભ સ્ત્રોત : લોકજીવનનાં મોતી

  • જોરાવસરસિંહ જાદવ
જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply