પૃથ્વી ફરે છે

0
116

આજે સ્માર્ટફોનમાં ગેમ રમતાં બાળકોને તો ખબર પણ નહિ હોય કે બાળપણમાં કેવી કેવી રમતો રમાતી . લખોટી , સંતા કુકડી , માચીસના ખોખાનાં પતીકાં બનાવી તેને ગોળ કુંડાળા માં મૂકી તેને પથ્થરની છીપરી વડે બહાર કાઢવા , ભમરડો , મોઇ દાંડીયો , ખુતમણી ( ખાસ કરી ચોમાસામાં લોખંડ ના સળિયાથી છેક બાજુના ગામ ની સિમ સુધી પોગાડી દેતાં ) , બીલ્લા ( સોડાની બોટલ ના ) , ખો ખો , છૂટ દડી …..શિક્ષક મિત્રોને પોતાનું બાળપણ યાદ આવી ગયું હશે . આ રમતો માં જયારે ભમરડાની રમત રમતાં ત્યારે તેઓ અજાણતા જ ભૂગોળ વિષય શીખી જતાં . જોકે આજે તો ભૂગોળનો કોઈ અલગ વિષય આવતો નથી . પણ એ સમયે સામાજિક વિજ્ઞાન નોહતું પણ સમાજવિદ્યા નામનું પુસ્તક આવતું . જેમાં ઇતિહાસ , નાગરિક શાસ્ત્ર અને ભૂગોળ ત્રણ વિષય એક સાથે આવતાં . તેમાં ભૂગોળમાં જ્યારે પૃથ્વી વિશેનો પાઠ આવતો ત્યારે આ ભમરડો અચૂક યાદ કરાવવામાં આવતો . કેમકે આ ભમરડા પરથી એક બહુ મોટા ભમરડા વિશે સાહેબ શીખવાડી દેતાં . તમને કદાચ નવાઈ લાગશે પણ આ મોટો ભમરડો એ શુ ? તો જણાવી દઉં કે એ ‘ મોટો ભમરડો ‘ એ આપણી આ પૃથ્વી !

આજે આપણે પણ આ પૃથ્વી વિશે જ શીખવાના છીએ . પાઠનું નામ છે ‘ પૃથ્વી ફરે છે ‘ !

દર વખતની જેમ આ વખતે પણ પેહલા પાઠનું નામ સમજી લઈએ .

નામ છે ‘ પૃથ્વી ફરે છે ! ‘ હવે આ તો એક સામન્ય વાત છે કે પૃથ્વી ફરે છે . હવે એ ફરે છે તો ફરે છે એમાં આપણે શું કરીએ ? પણ જ્યારે આ વાત આપણાં વિષયમાં આવે છે ત્યારે એ કોઈ સામન્ય બાબત નથી . આપણે શીખવાના છીએ કે ભાઈ આ પૃથ્વી ફરે છે તો કેમ ફરે છે ? કઈ રીતે ફરે છે ? શા માટે ફરે છે ? કોને પૂછીને ફરે છે ? ફરવાનું બંદ કરી દે તો ક્યુ પાતાળ ફાટી જાય ? પેલી વાર કોણે ફેરવી ! ફરવાનું બંદ કેમ નથી કરી દેતી ? આવા કેટલાય પ્રશ્નો અને તેનાં જવાબની વાત કરવાના છીએ . તો ચાલો શરૂ કરીએ !!!

સૌથી પહેલા વાત કરીએ કે પૃથ્વી ફરે છે તો કેમ ફરે છે ? તો એ પ્રશ્નનો જવાબ શોધવા ઘણા માણસોએ પોતાના મગજનું દહીં કરી નાખ્યું છે પણ આજ સુધી એનો જવાબ એટલો જ મળ્યો કે પૃથ્વી ફરે છે કેમકે તેણે ફરવાનું બંદ નથી કર્યું ! બસ આટલું જ ! હવે એને પહેલીવાર જાળીમાં લપેટી કોણે ઘા કરી ફરતી કરી , ક્યારે કરી એ તો મારો રામ જાણે પણ એટલું જ સમજવામાં આવ્યું છે કે કરોડો વર્ષ થી એ ફરી રહી છે બસ ફરી રહી છે. આજ સુધી માત્ર એટલી જ ખબર પડી કે ભાઈ પૃથ્વી ફરે છે !

હવે આપણે વાત કરવાના છીએ કે એ કઈ રીતે ફરે છે ને એનાં ફરવાથી શુ થાય ?

ચાલો તો આપણે પણ ફરીએ ! સૌથી પહેલાં તો એ જાણી લો કે પૃથ્વી ફરે છે એ સાચું પણ એ બે રીતે ફરે છે . એક પોતાની ધરી પર અને બીજું સૂર્યની આસપાસ ! હવે જરા થોડી સરળ ભાષામાં સમજીએ . તમે ચકડોળ જોયું હશે . એ ફરતું હોય છે. હવે એમાં જે બેઠક હોય છે એ પણ ફરે છે ને આખું ચકડોળ પણ ! ભમરડો જ જોઈ લો . એ પોતાની ધરી પર ઘુમમમમમમમ ફરતો હોય છે તો સાથે સાથે એ ચોક્કસ લાદી કે તમે બનાવેલાં કુંડાળા માં પણ ફરતો હોય છે . બસ એવું જ પૃથ્વીનું છે. એ પોતાની ધરી પર ભમરડાની જેમ ઘુમમમમમમમ ફરે છે ને એ પણ …શાંતિથી ખબર ન પડે એમ . એવી જ રીતે એ સૂર્ય ફરતે પણ ફરે છે ! ટૂંકમાં

પૃથ્વીની ગતિ

પૃથ્વી બે રીતે ફરે છે. પૃથ્વીની ફરવાની બે ગતિ છે . એક પોતાની ધરી પર ( પરિભ્રમણ ) અને બીજી સૂર્યની આજુબાજુ ! ( પરિક્રમણ )

હવે આ બન્ને રીત ( ફરવાની ગતિ ) વિશે સમજીએ .

પૃથ્વીનું ધરીભ્રમણ કે પરિભ્રમણ

પૃથ્વી ભમરડાની જેમ પોતાની ધરી પર ભ્રમણ કરે છે એટલે કે ફરે છે તેને પૃથ્વીનું ધરિભ્રમણ કે પરિભ્રમણ કહેવામાં આવે છે. જેમાં તે પોતાની ધરી પર ફરે છે ને પોતાની ધરી પર એક આંટો પૂરો કરતાં એને 24 કલાક થાય છે જેને આપણે દિવસ કહીએ છીએ . જેમાં પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે ફરે છે. આ ધરી કાલ્પનિક એટલા માટે છે કે એ ક્યાંય દેખાય નહીં પણ સમજવા માટે ધારી લેવામાં આવે કે ભાઈ આ ધરી છે . જે રીતે ભમરડો ફરતો હોય ત્યારે આપણને લાગે કે આ ચકરડી પર તે ફરે છે . પણ હકીકતમાં ભમરડા પર એ ‘ ચકરડી ‘ ક્યાંય હોતી નથી . બસ પૃથ્વીની ધરી એવી જ ચકરડી છે એમ માની લો . પૃથ્વીને આ ધરીનું એક ચક્ર પૂરું કરતાં 24 કલાક થાય છે.

હવે તમને થોડું સમજાયું હશે કે દિવસ અને રાત નો એક દિવસ 24 કલાકનો કેમ ? તો તમે સાચું વિચારી રહ્યા છો . આ ધરીની ગતિથી જ દિવસ અને રાત થાય છે. ચાલો સમજીએ .

પૃથ્વી ને પોતાની ધરી પર એક ચક્ર પૂરું કરતા 24 કલાક થાય એનો અર્થ એ કે એ 12 કલાક સુધી એનો અડધો ભાગ સૂર્યની વિરુદ્ધ હોય ! મતલબ ત્યાં સૂર્યનો પ્રકાશ ન મળે ! તો શું થાય ! સીધી વાત ત્યાં રાત હોય ! આથી પૃથ્વીના એટલા ભાગમાં રાત ને જે અડધો ભાગ સૂર્યની સામે ત્યાં હોય દિવસ ! અને એ ઓન 12 કલાક માટે . વળી ફરતી ફરતી પૃથ્વીનો જે ભાગ અંધારામાંથી સૂર્ય સામે આવે ત્યાં વળી દિવસ ને જે ભાગમાં દિવસ હતો તે ભાગ અંધારામાં ને ત્યાં થાય રાત !

હજી પલલે ન પડ્યું હોય તો એક બત્તી એટલે કે ટોર્ચ લો . પૃથ્વીનો ગોળો લો . હવે અંધારા ઓરડામાં ટોર્ચ પેટાવો . ને ગોળા પર પ્રકાશ ફેંકો. જે ભાગમાં પ્રકાશ પડે એટલો ભાગ દિવસ ને જ્યાં પ્રકાશ નથી પડતો …એની પાછળનો ભાગ એ રાત . હવે પૃથ્વીના ગોળાને ધીમે ફેરવો. અંધારાવાળો ભાગ આગળ આવતા ત્યાં દિવસ થઈ ગયો ને દિવસ વાળો ભાગ અંધારામાં જતા ત્યાં થઈ રાત ! બસ આવી જ રીતે આ મોટા ભમરડા પર ( પૃથ્વી ) પર દિવસ રાત થાય છે . જેના માટે તેનું ધરી પરનું પરિભ્રમણ જવાબદાર છે .

આપણા દેશમાં દિવસ હોય ત્યારે સામી બાજુ આવેલા દેશોમાં રાત હોય છે ને જયારે આપણા દેશમાં રાત હોય ત્યારે ત્યાં દિવસ હોય છે .

હવે એક વાત એ પણ જાણી લો કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે ને એ પણ પૃથ્વી સાથે જ સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે . અને આ રીતે પુરા બ્રહ્માંડમાં લગભગ તમામ તારા , ગ્રહો , બધું જ આ રીતે ફરે છે . કેમ એ ન પૂછતા હજી કોઈને ખબર નથી. !!!☺️☺️☺️☺️☺️

પૃથ્વીનું પરિક્રમણ

આપણે જોયું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે . તો સાથે સાથે તે સૂર્યની આસપાસ પણ ફરે છે. પૃથ્વી સૂર્યને કેન્દ્રમાં રાખી એક કલ્પિત કક્ષામાં તેની આસપાસ ફરે છે. તેની આ ગતિને પરિક્રમણ કહેવામાં આવે છે. આ કક્ષા ને પાછાં ગોતવા ન જતા કેમકે એવું ક્યાંય છે નહિ પણ એ તો સમજવા માટે ….સમજ્યા ને ?

પૃથ્વીની આ પરિક્રમણ ની ગતિનો માર્ગ પરિક્રમણ કક્ષા કહેવાય છે . અંગ્રેજીમાં orbit ! આ કક્ષા લંબગોળ છે એટલે કે અંડાકાર છે. આ કક્ષાનું એક ચક્ર પૂર્ણ કરતાં પૃથ્વીને 365 દિવસ લાગે છે. (હ……વર્ષ યાદ આવી ગયું ને ? ) એક મિનિટમાં 1760 કિલોમીટરની ઝડપે પૃથ્વી ફરે છે. તેની એક પરિક્રમા આપણું એક વર્ષ કહેવામા આવે છે. અને આપણે તો અંહી શિયાળો , ઉનાળો અને ચોમાસુ થાય છે. આ જે ઋતુઓ આપણે અનુભવીએ છીએ એ પણ પૃથ્વી ની પરિક્રમણ ના કારણે જ ! કઈ રીતે ?

ચાલો….

એક વાત સમજી લો કે ઋતુઓ થવા માટે પૃથ્વીનું પરિક્રમણ તો જવાબદાર છે જ પણ એક મોટું કારણ એ પણ કે પૃથ્વી સીધી વાહડા ની જેમ ભાગતી નથી પણ પૃથ્વી તેના પરિક્રમણ કક્ષા સાથે 66.5 ° નો ખૂણો બનાવી પોતાની ધરી પર 23.5° ના ખૂણે નમેલી રહી ફરે છે. આ જે ખૂણા છે એ કારણ છે કે અહીં પૃથ્વી પર ઋતુ થાય છે. ને દિવસ રાત કયારેક લાંબા તો ક્યારેક ટૂંકા થાય છે. જેમકે શિયાળામાં રાત લાંબી ને દિવસ ટૂંકા તો ઉનાળામાં રાત ટૂંકી ને દિવસ લાંબા ! આ બધું આ ખૂણા ની કમાલ છે જેને પૃથ્વી ફરતી વખતે અનુસરે છે.

લાંબા ટૂંકા દિવસ રાત

આપણે વાત કરી કે અહીં પૃથ્વી ઓર દિવસ રાત લાંબા ટૂંકા થાય છે એનું કારણ છે પૃથ્વીની નમેલી ધરી . એ મુજબ 22 જૂનના દિવસે કર્કવૃત અને 22 ડિસેમ્બરે મકરવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે આથી અહી દિવસ લાંબા હોય છે. જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે ત્યાં રાત લાંબી હોય છે જે બન્ને વૃતો વિરૂદ્ધ ગોળાર્ધ માં હોય છે.

ઋતુઓ

પૃથ્વી પોતાની ધરી એક જ દિશામાં નમેલી રાખી ફરે છે. આથી વારાફરતી ઉત્તર ધ્રુવ સૂર્યની સામે આવે છે. આથી વિષુવવૃત પર સૂર્યના કિરણો ઉત્તર કે દક્ષિણે પડે છે .આમ થવાથી જ દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. વિષુવવૃત ના જે વિસ્તારમાં સૂર્યના કિરણો સીધા પડે ત્યા ઉનાળો ને ઓછા પડે ત્યાં શિયાળો અનુભવાય છે.

21 માર્ચથી 23 સપટેમ્બર ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય છે તો એ સમયે જ દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. આ ઋતુના કારણે જ માનવીના જીવનને તેની સીધી અસર વરતાય છે ને માનવજીવનમાં પરિવર્તન આવે છે. એ મુજબ આપણા દેશમાં તો તહેવાર પણ ઉજવાય છે.

જેમકે દિવાળી શિયાળા માં ને હોળી ઉનાળામાં !

હવે આખરી વાત પૃથ્વી ગોળ છે મતલબ કોઈ તો એવું સ્થળ હશે જે મધ્યબિંદુ ઓર હોય . આવા સ્થળે તો દિવસ આથમે ત્યાં જ દિવસ ઊગી જાય ! આવા સ્થળોએ મધ્યરાત્રીએ પણ સૂર્ય દેખાય છે.

મધ્ય રાત્રીનો સૂર્ય

યુરોપના નોર્વે નામના દેશમાં મે ના મધ્યથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો જ નથી .

આથી આ દેશમાં મધ્યરાત્રીએ ( રાતે 12 વાગે પણ બોલો ) પણ સૂર્યના દર્શન થાય છે. તેને મધ્યરાત્રીનો દેશ પણ કહેવામાં આવે છે.

– સમજૂતી : મહેશ ગોહિલ

જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply