આપણી આસપાસ શું

0
83

ક્યારેક શાંતિથી બેઠા હોવ ને વિચાર આવ્યો છે ! કે આપણે અહીં શા માટે છીએ ? જોકે આવા વિચાર આવવા એ પણ એક સૌભાગ્ય ગણાય ! કેમકે મોટા ભાગે તો આવા વિચાર આપણને આવતા જ નથી . કેમકે વિચારવું અને વિચારમાં હોવું એ બન્ને સામન્ય વસ્તુ નથી . પણ ક્યારેક જો વિચાર્યું હોય ને યાદ આવ્યું હોય તો આવા વિચાર કદાચ આવ્યા હોય . કેમકે આગળ આપણે શીખી ગયા કે આપણી પૃથ્વી એકલી નથીં. આપણી પૃથ્વી એ આપણાં સૌર મંડળ નો એક ભાગ છે . સાથે સાથે ગ્રહો , ઉપગ્રહો ધૂમકેતુઓ , લઘુગ્રહો અને અન્ય ઘણા બધા સભ્યો આપણા આ સૌર મંડળમાં છે . પણ સાથે સાથે એક વાત એ પણ સાચી કે આ બધાં હોવા છતાં આમ જોઈએ તો આપણી પૃથ્વી એકલી જ છે કેમકે પુરા સૌર મંડળમાં બીજા એક પણ ગ્રહ , ઉપગ્રહ કે લઘુગ્રહ પર જીવન ધબકતું નથી. માત્ર આપણી આકાશમાં ભૂરી ચમકતા રંગની પૃથ્વી પર જીવનના શ્વાસ ધબકે છે.

જોકે આ પૃથ્વી પર જીવન ક્યારથી આવ્યું એ માટે આજ સુધી ઘણા બધા સંશોધન ને વિચાર ને કર્યો થયા છે પણ આજ સુધી આ પ્રશ્ન નો જવાબ મળી શક્યો નથીં. એવું માનવામાં આવે છે કે એક સમયે સૂર્ય માં આપણી પૃથ્વી સમાયેલી હતી . આપણા સૂર્યમાંથી આપણી પૃથ્વી અલગ પડી છે. શરૂઆતમાં એ અગનગોળા સ્વરૂપે હતી . ચારે બાજુ લાવા ને અગ્નિનું જ તાંડવ ચાલતું હતું . જોકે કાળક્રમે એ ઠંડી પડી ને એનું તાપમાન ઠરતા એમાં પરિવર્તન આવ્યું .

તાપમાન ઠરતા જ્વાળામુખીનો લાવા ઠંડો પડ્યો ને એમાંથી એનું નક્કર બંધારણ બંધાયું . જમીન , પર્વતો , ખડક એમાંથી બન્યા . ટૂંકમાં ઘન પદાર્થોમાંથી આ જમીન ની રચના થઈ. જે પ્રવાહી પદાર્થો હતાં એમાંથી સમુદ્ર , જળાશય ને મહાસાગર બન્યા. વાયુ સ્વરૂપ ના આધારે વાતાવરણ બન્યું . ને આખરે જીવનનો ઉદભવ થયો. જે આ વાયુ , જમીન અને સરોવર ના આધારે પોતાની રીતે વિકસ્યું. આ પરિવર્તન કેમ થયું કઈ રીતે થયું એ માંટે આજ સુધી માત્ર અનુમાન જ થયા છે . જોકે વખતોવખત એ ખોટા પણ સાબિત થતાં રહ્યા છે .આથી અહીં જે વાત કરીએ છીએ . એ દર વખતે કહું છે એમ અંતિમ સત્ય નથી .

આ જમીન અને સરોવર રચાતા એમાં જીવનનો ઉદભવ થયો . ને અંતમાં આ આખી પૃથ્વી એક વિરલ ગ્રહ બન્યો . એવો વિરલ કે પુરા સૌર મંડળમાં એના પર જ જીવન ધબકી રહ્યું છે. આજે આપણે આ જે વાત કરવાના છીએ એ જમીન , વાયુ , જળ અને જીવની . જેનું નામ છે ‘ આપણી આસપાસ શું ! ‘

હા , આ પાઠનું નામ છે ! તો પેહલા પાઠનું નામ સમજી લઈએ .

‘ આપણી આસપાસ શું ? ‘ મતલબ કાળા રંગના ચાસમાં પહેરી બાજુની બેન્ચ પર બેઠેલા છોકરા , છોકરી , બ્લેકબોર્ડ ને ઘરની આસપાસ કાંતા માસી ને ગંગા મા ની આ વાત નથી. પણ આપણી આસપાસ શું એની જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે એ આપણી પૃથ્વી ના સંદર્ભમાં વિચારવાનું છે . તો આપણી પૃથ્વી પર શી રચના છે , શું છે , કેમ છે ? કઈ કઈ બાબતો છે ? એની વાત કરવાની છે. તો શરૂ કરીએ .

સૌ પેહલા તો પાછા ચાલો . હા ..હા….જગ્યાએથી કે બેન્ચ થી પાછા નહીં . પણ આગળ આપણે વાત કરી એમા પાછા જવાનું છે . એમાં વાત કરી જમીન , વાયુ , જળ અને જીવની . તો આ જે જ્વાળામુખી ઠરી ને જે જમીન બની તેને આપણે આ વિષયમાં કહીશું મૃદાવરણ , વાયુમાંથી બન્યું એ વાતાવરણ , જળમાંથી બન્યું એ જલાવરણ અને બધા જીવ મળી ને બન્યું એ જીવાવરણ !

ચાર સ્તર છે આ પૃથ્વી ના ! મૃદાવરણ , જલાવરણ , વાતાવરણ અને જીવાવરણ ! એ ચારેય છે આપણી આસપાસ ! એ ચારેયમાં આજે આંટો મારવા જવાનું છે. એ સમજી લો એટલે માની લો કે તમે આપણી આસપાસ વિશે બધું સમજી લીધું . તો છો ને તૈયાર !

પેહલા ખબર લઈ નાખીએ મૃદાવરણની કેમ રહેશે ?

બરાબર ને ?

૦૧ . મૃદાવરણ

મૃદાવરણ નામ કદાચ અઘરું ( અજાણ્યું ) લાગતું હોય તો કહી દઉં કે એ કોઈ વાઘ દીપડો નથી . હમણાં એનું સુરસુરીયું કરી દઈએ. શબ્દ વાંચો : મૃદાવરણ !

હવે યાદ રાખો આ શબ્દમાં બે શબ્દો છે. એક મૃદ જેનો અર્થ થાય માટી , જમીન કે ધરતી . બીજો શબ્દ છે આવરણ તો એનો અર્થ થાય સ્તર , પડળ , પરત કે તમે અંગ્રેજી માં કહો તો લેયર ! ઓહો….આટલું જ ને ! હા….ટૂંકમાં મૃદાવરણ એટલે જમીનનું આવરણ ! પડી ખબર !????

હા , પૃથ્વીના ઉપરના ઘન ભાગ જે ભાગમાં આપણે રહીએ છીએ તેને મૃદાવરણ કહેવામાં આવે છે. આ આવરણ માટી અને ખડોનું બનેલું છે. બધું ઘન ! મતલબ નક્કર ! એને તમે પૃથ્વીનો પોપડો પણકહી શકો . બીજું નામ શિલાવરણ કે ઘનાવરણ ! આ આવરણ પૃથ્વીની 29 % ભાગ જેટલી જગ્યા રોકે છે. જાડાઈ લગભગ 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલી . જોકે બધી જગ્યાએ એ એકસરખી જાડાઈ ધરાવતો નથી . અમુક જગ્યાએ ઓછી જાડાઈ છે તો કેટલીક જગ્યાએ વધુ. અંદર બહાર એક સરખો આકાર પણ નથી . પણ એક વાત પાકી કે એ મોટાભાગે માટી જે ખડકોનો જ બનેલો છે. આખી પૃથ્વીના બધા પર્વત , ડુંગર , મકાન , ઝાડ , જંગલ , ઉચ્ચ પ્રદેશો આ મૃદાવરણ પર આવેલા છે.

આ મૃદાવરણમાં તમને થાય કે અંદર જવું હોય તો ? હા , જવાય ને બહુ શાંતિથી જવાય પણ એક જ તકલીફ છે કે જેમ જેમ તમે ઊંડાઈ માં જાવ તેમ તેમ તાપમાન વધતું જ જાય ! છેક અંદર પૃથ્વીના પેટાળમાં તો આ બધું એક રસની જેમ હોય છે. જે પીગળેલા ઘન પદાર્થો હોય છે. પીગળેલો આ રસ મૅગમા કહેવાય છે. જે ખૂબ જ ગરમ હોય છે. અતિશય ગરમ ! આ ગરમ મૅગમા આ બધું તોડી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ સામે પક્ષે ખડકો પણ દબાણ કરે છે કે ભાઈ અંદર જ પડ્યા રો ! આ રીતે અંદરની ગરમી બહાર તરફ દબાણ કરે છે પણ ઉપરના ખડક સામે દબાણ કરે છે આથી બન્ને વચ્ચે સંતુલન જળવાય છે ને આપણું આ મૃદાવરણ ફાટી જતું નથી. જોકે ક્યાંક ગરમી વધી જાય ને પોપડો ફાટે તો ત્યાં જ્વાળામુખી બની જાય છે.

આપણું તમામ જીવન , જીવો , મકાન , પર્વત ને દેખાય એ બધું આ મૃદાવરણ પર ઉભું છે . એટલું જ સમજી લો કે પૃથ્વીનું જીવન તેના પર જ ધબકી રહ્યું છે.

૦૨ જલાવરણ

પૃથ્વીનો નિચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે. જેને જલાવરણ કહેવામાં આવે છે. જલાવરણ મૃદાવરણ કરતા પૃથ્વીનો વધુ ભાગ રોકે છે. આંકડામાં કહીએ તો 79 % જેટલો વધુ ભાગ રોકે છે. આ જલાવરણમાં જોઈએ તો પાણીનો પ્રદેશ તે જલાવરણ છે. આપણી પૃથ્વી પર આ જલાવરણ ને ચાર મહાસાગર માં વહેંચી નાખવામાં આવ્યા છે ;

1 પેસિફિક મહાસાગર

2 હિન્દ મહાસાગર

3 એટલેન્ટિક મહાસાગર

4 આર્કટિક મહાસાગર

આ તમામ મહાસગરો વચ્ચે કોઈ જગાએ કોઈએ બાઉન્ડરી નથી બનાવી કે નથી દીવાલ ચણાવી . પણ એક કાલ્પનિક રૂપે તેમના ભાગ કરવામાં આવ્યા છે. આ મહાસગરો વિશાળ ભાગ છે. આપણી આસપાસ ના જળને સરોવર , સામુદ્રીધુની ,અખાત કે ઉપસાગર તરીકે ઓળખીએ છીએ . આ જલાવરણ ની નીચે પણ મોટા મેદાન , ઉચ્ચ પ્રદેશ , પર્વત , ખાઈઓ આવેલી છે . જે ઘણી જગ્યાએ લગભગ 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી હોય છે. આ સરોવરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી રહેલું છે . પણ એ ખારું છે.

દુનિયાનું 97 ℅ પાણી આ મહાસગરો માં છે પણ અફસોસ કે એ ખારું છે. બાકીના 3 % મીઠા પાણી માંથી 2 % પાણી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર બરફના સ્વરૂપે સંગ્રહાયેલું છે. બાકીના 1 % જેટલું મીઠું પાણી આ નદીઓ , મીઠા પાણીના સરોવર કે કુવા તળાવો માં છે.

આ જલાવરણ માં પણ જીવન ધબકે છે. એની દરિયાઈ જીવ સૃષ્ટિ અદભુત છે . જોકે એ માત્ર અહીં નામ પૂરતી કહી બાકી એ છે તો જીવાવરણ નો ભાગ ! જલાવરણ માં તો માત્ર પાણીના વિસ્તારો નો જ સમાવેશ થાય છે. જેમાં મીઠું પાણી એ જલાવરણ ની અનુપમ ભેટ છે .

આ જલાવરણ ના કારણે વરસાદ આવે છે. જલાવરણ ની ઘણી નદીઓ , મહાસાગર જળમાર્ગ તરીકે ઉપયોગી છે. માછલીઓ માનવીનું પેટ પણ ભરે છે ને જલાવરણની શક્તિ ને નાથી ને વિદ્યુત પણ ઉતપન્ન કરવામાં આવે છે. જેમાં મહાસાગરો માં વહેતા ગરમ અને ઠંડા પાણીના પ્રવાહો ઉપયોગી બને છે. આમ જલાવરણ એ પૃથ્વી પર એક વરદાન છે.

૦૩ વાતાવરણ

પૃથ્વીની ચારે બાજુ હવાથી ઘેરાયેલા આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. સ્વાભાવિક વાત છે કે હવાનું બનેલું હોવાથી મૃદાવરણ કે જલાવરણ ની જેમ તેને નરી આંખે જોઈ શકાતું નથી. બિલકુલ ઈશ્વરની જેમ ! જે છે તો ખરા પણ દેખાતા નથી. હા , ક્યારેક ભીહ પડી હોય ત્યારે યાદ આવે છે. વાતવરણ પૃથ્વીથી 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. તેમાં વિવિધ વાયુઓ , રજકણ , ભેજ , ક્ષાર કણો , સૂક્ષ્મ જંતુઓ અને અવકાશી કણો ભળેલા હોય છે. વાતાવરણ સ્વાદરહિત , ગંધ રહિત અને પારદર્શક છે. જેમાં 78 % નાઇટ્રોજન 21 % ઓક્સિજન અને 1 % બાકીના વાયુઓ અને અન્ય પદાર્થો હોય છે. વાતાવરણમાં ઘન , પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થો હોય છે. વાતવરણ જેમ જેમ ઊંચે જઈએ એમ એમ આછું પાતળું થતું જાય છે. જેમાં કાર્બન ડાયોક્સાઇડ જેવા ભારે વાયુઓ માત્ર સપાટી પર હોય છે . ઉપર તેનું પ્રમાણ ઓછું હોય છે.

જોકે કેટલાક વાયુ કાજુ બદામ જેવા હોય છે. મતલબ હોય ઓછા પણ બહુ અગત્યના ! જેમકે ઓઝોન વાયુ . આ વાયુ ખૂબ ઓછો હોય છે પણ એ આપણી પૃથ્વીની ઢાલ છે. કઈ રીતે તો જાણો . ઓઝોન વાયુ પૃથ્વીના ઉપરના ભાગમાં હોય છે. જે સૂર્યના અતિ વેધક પારજાંબલી ( અલ્ટ્રાવાયોલેટ ) કિરણોથી પૃથ્વી ના જીવોને બચાવે છે. એના વગર પૃથ્વીના તમામ જીવ જીવતા જ ભડથું થઈ જાય બોલો ! આ વાયુ વહેલી સવારે નદી કિનારે દરિયા કિનારે જેવી જગયાએ વધુ હોય છે . નાઇટ્રોજન વાયુ ઓછી કરે છે.

વાતાવરણમાં પણ મુખ્ય ઘટક પાણી હોય છે . જે બાષ્પ રૂપે હોય છે. જેને આપણે ભેજ કહીએ છીએ . એનાથી ઘનીભવન થાય છે જેમાંથી વરસાદ , કરા , ઝાકળ , હિમ બને છે. અને આ કોઈપણ પ્રદેશના માનવીના રંગ , પોશાક , ઉદ્યોગ , કાર્ય , રહેણીકરણી જેવી બાબતોમાં પરિવર્તન લાવે છે. વાતાવરણમાં રજકણ પણ હોય છે. હોય તો નાના પણ કામ બહુ મોટા ! આ નાના રજકણ શુ કરે ખબર છે ? એ સૂર્યના પ્રકાશ ને ફેલાવે છે જેથી અચાનક જ અંધારું કે અજવાળું નથી થતું. પ્રકાશ ને તે ફેલાવે છે ને વાતાવરણમાં પરત લાવે છે . સાંજે દેખાતો રતુમડો રંગ રજકણ ના કારણે દેખાય છે. બીજું કે તમે જે કઈ સાંભળો છો એ વાતાવરણ ના કારણે ! એના વગર અવાજનું પ્રસરણ જ ન થાય ! મતલબ આપણે વાતવરણ વગર બહેરા જ રહીએ . બોલો ! સાંભળ્યું ? હા , તો વાતાવરણ ના કારણે ! યાદ રાખજો !

૦૪ જીવાવરણ

પૃથ્વીના મૃદાવરણ , વાતાવરણ ને જલાવરણ ના જે ભાગમાં જીવ સૃષ્ટિ વસેલી છે તેન જીવાવરણ કહેવામાં આવે છે. આમ જોવા જઈએ તો પૃથ્વીના તમામ ભાગોમાં જીવો વસે છે . ત્યાં સુધી કે જ્વાળામુખી પર્વતો માં પણ ! ભલે એ નરી આંખે ન દેખાય છતાં એ વસે તો છે. પૃથ્વીના આ જીવાવરણમાં વનસ્પતિ , સજીવો , સૂક્ષ્મ જીવો , જીવ જંતુઓ અને માનવીનો સમાવેશ કરવામાં આવે છે. એ તમામ જીવો પોતાની જરૂરિયાત જીવાવરણ માંથી જ પુરી કરે છે. માનવી પણ બીજા સજીવો વિના જીવતો ન રહી શકે ! હવે આ જે જીવાવરણ છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે :

1 જૈવિક જીવાવરણ

2 અજૈવિક જીવાવરણ

જૈવિક જીવાવરણમાં સજીવો , વનસ્પતિ , જીવ જંતુ , માનવીનો સમાવેશ થાય છે જ્યારે અજૈવિક જીવાવરણમાં મૃદાવરણ , જલાવરણ અને વાતાવરણ નો સમાવેશ કરવામાં આવે છે.

આ તમામ બરાબર કામ કરે છે પણ એમાં હમણાં હમણાં એક ખોટકો આવી ગયો છે જેનું નામ છે માનવી !

હા , માનવીએ પોતાના જ સ્વાર્થમાં સ્વ વિકાસ માટે મૃદાવરણ , વાતાવરણ અને જલાવરણ અને આખરે આ જીવાવરણમાં પણ મોટાપાયે દુષણ ફેલાવી દીધું છે. માનવીના કારખાના મૃદાવરણ ને દૂષિત કરી રહ્યા છે. તેમાંથી નીકળતા કેમિકલ , ગામડામાંથી છોડવામાં આવતી ગંદગી જલાવરણ ને બગાડી રહયા છે. મહાસાગરમાં ચાલતા મોટા મોટા જહાજો ને થતા અકસ્માતો વખતે ઢોળાતું ખનીજ તેલ તો દરિયાઈ જીવોનો ખાત્મો બોલાવી રહ્યા છે. મોટા મોટા ઉદ્યોગો વાતાવરણ ને બગાડી રહ્યા છે. આજની દરેક કહેવાતી ઊંચી ટેકનોલોજી આપણી પૃથ્વીનો દાટ વાળી રહી છે. એક અવકાશ અંતરીક્ષ બાકી હતું તો ત્યાં પણ હવે આકાશી ઉપગ્રહો ને અવકાશી ભંગાર વેરી ત્યાં પણ પ્રદુષણ ફેલાવી રહ્યો છે. વૃક્ષો કાપવાથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોકસાઈડ જેવા વાયુ વધી રહ્યા છે જે પૃથ્વીની ગરમી વધારી રહ્યા છે.

ટૂંકમાં મૃદાવરણ , જલાવરણ , વાતાવરણ અને જીવાવરણ આજના માનવીથી ત્રાસેલા છે. જોકે એ વાત પણ સાચી છે કે કદાચ ઈશ્વર માફ કરી દે પણ પ્રકૃતિ ક્યારેય માફ કરતી નથી. માનવીએ પણ પોતે કરેલા આ દૂષિત કાર્યોની સજા તો ભોગવવી જ પડશે . બસ તમે જો પોતે આ પૃથ્વી ને મદદ કરવા માંગતા હોવ એ પણ પોતાને બચાવવા તો પ્રકૃતિ ને બચાવો….એ તમને બચાવશે….સમય રહ્યો હશે …તો !! નહીંતર રામ રામ !!

– સમજૂતી : મહેશ ગોહિલ

જો તમે આવી જ સાહિત્ય રચના , લોકસાહિત્ય , ઇતિહાસ અને ગુજરાતની યશગાથાઓ વાંચવા માંગતા હોય તો આજે નહીં અત્યારે જ અમારા ફેસબુક પેજ ‘ યશગાથા ગુજરાતની ‘ ને લાઈક અને શેર કરજો . અમારી વેબસાઈટ ‘ ‘ યશગાથા ગુજરાતની ‘ ને સબ્સ્ક્રાઇબ કરો અને પ્રકાશિત થતાં લેખ સૌથી પહેલાં મેળવો.

લેખ ગમે તો લાઈક અને શેર કરજો . કોઈ અન્ય પ્રશ્ન કે માહિતી માટે કમેન્ટ કરો . આપનો કિંમતી સમય આપવા બદલ આભારી છીએ .

Leave a Reply